Top News

થરાદ પંથકમાં કેનાલ મોટર ચોરીના રેકેટનો પર્દાફાશ: 13 સબમર્શિબલ મોટર સાથે 7 આરોપીઓ ઝડપાયા
Sandy Verma | July 30, 2026 1:24 PM CST

વાવ-થરાદ જિલ્લા (એલ.સી.બી) એ થરાદ તાલુકાના ડેલ ગામની સીમમાં કેનાલમાંથી સબમર્શિબલ મોટરોની ચોરી કરતી ગેંગનો પર્દાફાશ કરી સાત આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓ પાસેથી ચોરી કરાયેલી 13 સબમર્શિબલ મોટરો સહિત કુલ રૂ.4,00,050 નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આ કાર્યવાહીથી થરાદ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા બે વણશોધાયેલા ચોરીના ગુનાઓનો ભેદ પણ ઉકેલાયો છે.

પોલીસ મહાનિરીક્ષક પરીક્ષીતા રાઠોડ તથા વાવ-થરાદ જિલ્લા પોલીસ અધિક્ષક ચિંતન તેરૈયાના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં નોંધાયેલા વણશોધાયેલા મિલકત સંબંધિત ગુનાઓનો ભેદ ઉકેલવા માટે વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. તે અંતર્ગત એલ.સી.બી પોલીસ ઇન્સ્પેક્ટર એ.પી.ચૌધરી ના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ થરાદ પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગ અને બાતમીના આધારે તપાસ કરી રહ્યો હતો.

આ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે ડેલ ગામે રહેતા દિલીપભાઈ ઉર્ફે દલો ભુરાભાઈ ઠાકોરના ઘરે દરોડો પાડવામાં આવ્યો હતો. પોલીસે ત્યાંથી સાત આરોપીઓને ઝડપી પાડ્યા હતા. પૂછપરછ દરમિયાન આરોપીઓએ કેનાલમાંથી પાણી ખેંચવાની સબમર્શિબલ મોટરોની ચોરી કર્યાનું બહાર આવ્યું હતું. પોલીસે આરોપીઓ પાસેથી રૂ.2,60,000 કિંમતની 13 સબમર્શિબલ મોટરો, ગુનામાં ઉપયોગમાં લેવાયેલી રૂ.60,000 કિંમતની એક મોટરસાયકલ, એક કુહાડી રૂ.50 તેમજ રૂ.80,000 કિંમતના આઠ મોબાઇલ ફોન મળી કુલ રૂ.4,00,050 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

આરોપીઓ વિરુદ્ધ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, 2023ની કલમ 35(1)(ઈ) હેઠળ કાર્યવાહી કરીને તમામને થરાદ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે. પોલીસે જણાવ્યું છે કે આ કાર્યવાહીથી થરાદ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા મોટર ચોરીના બે વણશોધાયેલા ગુનાઓનો સફળતાપૂર્વક ભેદ ઉકેલાયો છે અને સમગ્ર ગેંગની વધુ પૂછપરછ ચાલુ છે.


READ NEXT
Cancel OK